મોહનાં પડળ દૂર કરી, સત્ય તરફ દૃષ્ટિ કરતો જા
અનિત્યમાં તું બહુ ફર્યો, નિત્ય તરફ હવે તું વળી જા
ખાવા-પીવામાં બહુ મહાલ્યો, સ્વાર્થમાં બહુ લપેટાયો
પ્રપંચોમાં સમય વિતાવ્યો, હવે તું સમજી જા - સત્ય ...
આવ્યા જે તે છે જવાના, નથી કંઈ સાથે લઈ જવાના
અંજામ તારો પણ આ રહેવાનો, આ વાતને તું સમજી જા - સત્ય ...
આસક્તિ તારી વધતી જાશે, એમાંથી જો નહીં છુટાશે
મનને એ તો બાંધી રાખશે, આ વાત તું સમજી જા - સત્ય ...
પ્રારબ્ધ તારું તું સાથે લાવ્યો, ભોગવીને તું છૂટો થવાનો
આસક્તિ વિના કર્મો કરતો જા, આ વાત તું સમજી જા - સત્ય ...
આ જ્ઞાનજ્યોત જલતી રાખજે, કર્મો બાળી અટકી જાજે
મુક્તિનો માર્ગ મોકળો થાશે, આ વાત તું સમજી જા - સત્ય ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)