જરૂર પડી જીવનમાં જ્યારે, પ્રભુ તો મારો, કોઈ હાથે એ પૂરી કરી ગયો
નીંદર આવી આંખડીમાં તો જ્યારે, પવન વિંઝી, નીંદર મીઠી એ દઈ ગયો
પ્રસંગે પ્રસંગે આંખ ખોલવા મારી, પ્રભુ સમજ મને તો દઈ ગયો
જ્યારે જ્યારે જીવનમાં હું તૂટી પડયો, આવી હૈયે હિંમત એ તો ભરી ગયો
પ્રભુ મારો જીવનમાં બધું કરી ગયો, પ્રભુ મારો જીવનમાં બધું કરતો રહ્યો
છૂટયાં જીવનમાં જ્યાં સાથને સાથીદારો, દઈ સાથ મને, સાથીદાર બની ગયો
સૂઝ્યો ના માર્ગ જીવનમાં, મૂંઝાયો જ્યારે, માર્ગદર્શક મારો એ બની ગયો
કરવાની હતી સેવા મારે મારા પ્રભુની, પ્રભુ તો મારી સેવા કરી ગયો
જીવનમાં જ્યારે જ્યારે હું પડી ગયો, પકડી હાથ મારો ઊભો મને કરી ગયો
લાગ્યું જીવન જ્યારે જ્યારે એકલવાયું, એની હાજરીનો અહેસાસ દઈ ગયો
કહેવું ના પડયું જીવનમાં એને કદી, જ્યાં એના વિશ્વાસે જીવન જીવતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)