નમ્રતાની વાત છે જુદી, લે છે સહુના હૈયાં એ તો ખેંચી ખેંચી
રહેવા ના દે એ દૂર કોઈને, આવે કે રહે પાસ, કોઈને ના દે એ છોડી છોડી
જીતાઈ ગયા જ્યાં હૈયાં તો જગમાં, થાય ના અડચણ ત્યાં બીજી ઊભી
રાખે ના વેર કે જાગે ના વેર એના હૈયાંમાં તો જલદી જલદી
મળી શકે એને સાથ ને સહકાર જગમાં, બની શકે એ તો સારો સાથી
ગુણોના હોય ભલે બીજા ભંડારો, શોભી ઊઠે બધા ગુણો તો એનાથી
લેશે ને રાખશે દુર્ગુણોને એ તો કાબૂમાં, જ્યાં હૈયે ગઈ હશે એ વ્યાપી
જાતી હશે હારમાં તો જ્યાં બાજી, દઈ સાથ દેશે એ તો સુધારી
હશે હોશિયારી જીવનમાં ભલે બધી, રહી જાશે એના વિના અધૂરી
પ્રેમ, નમ્રતા, ભાવ, શ્રદ્ધા છે વિવિધ સદ્ગુણોના તો મુકુટમણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)