વાટ જોવાય નહીં, વાટ જોવાય નહીં, ભવોભવ સુધી કાંઈ વાટ જોવાય નહીં
મળવું છે જીવનમાં જ્યારે તો પ્રભુને, આ જનમની પણ કાંઈ વાટ જોવાય નહીં
મળ્યો સમય જે સાથે, રહેશે એ તો કેટલો, વધારી ખોટી આશા રખાય નહીં
ગયો સમય એ તો ગયો, રહ્યો છે હાથમાં કેટલો, એ તો કાંઈ કહેવાય નહીં
વસાવવા છે પ્રભુને તો જ્યાં હૈયાંમાં, વિકારોને તો હૈયાંમાં વસવા દેવાય નહીં
જોવા છે જીવનમાં જ્યારે પ્રભુને, જીવનમાં પ્રભુ વિના બીજું તો જોવાય નહીં
થાશે ગણતરી જીવનમાં શ્વાસોની તારી, છૂટશે શ્વાસ છેલ્લો ક્યારે, એ કાંઈ કહેવાય નહીં
કરવાનું છે જ્યારે આજે, કરતો ના વિચાર કરીશ કાલે, કાલ ઉપર તો કાંઈ છોડાય નહીં
સમજ જાગી છે જ્યારે, કરી લે બધું તું ત્યારે, ઘડી સમજની એવી વીતવા દેવાય નહીં
પ્રેમ, ભાવ, આનંદ, છે શુદ્ધ સ્વરૂપ તો પ્રભુના, જીવનમાં વિકૃત એને થવા દેવાય નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)