ભીંજાયું હૈયું તો જ્યાં પ્રભુના પૂરા પ્રેમથી રે, સમજી લેજો,
પ્રભુદર્શનનું પહેલું પગથિયું ભર્યું
કામ વિકારોનું તો, હૈયેથી જ્યાં શમન કર્યું રે, સમજી લેજો,
પ્રભુદર્શનનું બીજું પગથિયું ભર્યું
લોભ લાલચમાં, જીવનમાં મનડું તો ના ચોટયું રે, સમજી લેજો,
પ્રભુદર્શનનું ત્રીજું પગથિયું ભર્યું
વેરને, ઇર્ષ્યાને જીવનમાં, હૈયાંને મનમાં ટકવા ના દીધું રે, સમજી લેજો, પ્રભુદર્શનનું ચોથું પગથિયું ભર્યું
ક્રોધને, ઇચ્છાઓને, હૈયાંને મનમાં સ્થાન ના દીધું રે, સમજી લેજો, પ્રભુદર્શનનું પાચમું પગથિયું ભર્યું
અહં ને અભિમાનને હૈયાંમાં ને મનમાં વસવા ના દીધું રે, સમજી લેજો, પ્રભુદર્શનનું છઠ્ઠું પગથિયું ભર્યું
અપમાન ને તિરસ્કારમાં હૈયાંને જો એ હલાવી ના શક્યું રે, સમજી લેજો, પ્રભુદર્શનનું સાતમું પગથિયું ભર્યું
હૈયાંને જ્યાં મારા તારાની મમતામાંથી મુક્ત કર્યું રે, સમજી લેજો,
પ્રભુદર્શનનું આઠમું પગથિયું ભર્યું
આ બધા યત્નોમાં હૈયે આળસ ચડવા જો ના દીધી રે, સમજી લેજો, પ્રભુદર્શનનું નવમું પગથિયું ભર્યું
સંતો ને ભક્તોએ જગને કહ્યું, જીવનમાં જેણે આ કહ્યું,
પ્રભુએ તો એના દાની બનવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)