કર્તાની મીઠી નજરમાં, શંકા ઉઠાવે છે તું શાને
હસતાં કે રડતાં, દુઃખો ભોગવવાં પડશે તારે ને તારે
દીધી અણમોલ કાયા, ન આભાર માન્યો તેં ત્યારે
રડતાં-રડતાં તું પ્રવેશ્યો જગમાં, દિન-રાત કે સવારે
આદત તારી એ, વસી ગઈ છે હૈયે, એ તો બહુ ભારે
સહનશીલતા છોડી, દુઃખો રડતાં-રડતાં તું વધારે
દુઃખોની પળમાં ધીરજ ન છોડી, હસતાં શીખીશ તું ક્યારે
હસતાં જો શીખી લઈશ, દુઃખો ભાગશે ત્યારે ને ત્યારે
જીવન મળ્યું છે, ખૂબ રડી લીધું છે તેં જ્યારે
નથી આંસુ પાડ્યાં, પ્રભુવિરહનાં, સાંજ કે સવારે
ફરિયાદ છોડી હવે, તું ભજી લે પ્રભુને હવે અત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)