શું છું ને શું નથી, મને કાંઈ એ સમજાતું નથી, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી શાંત રહું છું, કદી જાઉં છું ઉશ્કેરાઈ, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી પ્રેમવિભોર બનું, કદી પ્રેમથી દસ ગાઉ દૂર રહું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી હું મૌન બનીને બેસું, કદી બોલ બોલ કર્યા કરું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી હું ક્રોધી બનું, કદી હું ઈર્ષામાં તો ડૂબું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી દિલથી સંસારી બનું, કદી દિલમાં હું વેરાગી રહું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી હું તો ભોગી બનું, કદી હું તો ત્યાગી બનું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી હું હિંમતવાન બનું, કદી ડરથી થરથર ધ્રુજું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
કદી કરૂણામાં ડૂબી જાઉં, કદી દયાથી ભરપૂર રહું, ક્યારે કરીશ શું એ કહેવાતું નથી
રૂપો નવા નવા જીવનમાં હું લેતો રહું, જોઈને વિવિધ રૂપો મારા, અચરજમાં પડું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)