અનંતમાંથી તો આવ્યા છે સહુ જગમાં, અનંતમાં તો જાશે સહુ સમાઈ
અનંતને પામતાંને પામતાં, જાશે સહુ તો, અનંતમાં તો ખોવાઈ
સરવાળાને સરવાળાઓ કરી કરી જીવનમાં, મોટી સંખ્યા બનાવી એની રે ભાઈ
હવે કરી કરી બાદબાકી જીવનમાં, કરવાની છે જીવનમાં તો શુન્યની કમાઈ
ભૂલવામાંને ભૂલવામાં જગમાં બધું, ભૂલશો ના કરવી જીવનમાં ભલાઈ
રમતો તો રમી રહી છે કુદરત તો જગમાં, રમતો રહી છે રમાઈ
અનંતની શોધ છે તારી ચાલુ, જોજે એ શોધ એમાં તારી, જાય ના ચૂંથાઈ
વેડફશે સમય જીવનમાં તું જેટલો, જાશે સમય શોધમાંથી તો એ કપાઈ
અનંત તો છે પ્રભુ, પ્રગટયા સહુ એમાંથી, છે જીવનની આ સચ્ચાઈ
છે સહુ તો પ્રભુના, સહુને છે અપનાવવા, છોડી દો દિલથી બધી બુરાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)