દુઃખ આવે જીવનમાં તો અનેક, જીરવવા દીધું છે દિલ પ્રભુએ તો એક
જગને જોવાને મળી છે આંખો તો બે, ઉતારવા અંતરમાં દીધું છે દિલ તો એક
કરવા કાર્યો મળ્યા છે અંગો તો એક, પૂરવા શક્તિ એમાં, દીધો છે પ્રાણ તો એક
લેવા પડે નિર્ણયો જીવનમાં તો અનેક, લેવા નિર્ણય મળી છે બુદ્ધિ તો એક
ફૂટે કિરણો સૂર્યમાંથી તો અનેક, એ અનેક કિરણો પાછળ ચમકે છે સૂર્ય તો એક
રાહો પકડે છે માનવ જીવનમાં તો અનેક, છે પાછળ સુખી થવાનો, સહુનો ઉદેશ એક
દેખાઈ રહ્યાં છે દૃશ્યો જીવનમાં અનેક, એ અનેકમાં વીસરી રહ્યું છે ચેતના એક
ઊછળે છે મોજાઓ સાગરમાં તો અનેક, એ મોજાઓ પાછળ સાગર તો છે એક
વડમાં તો છે અનેક ડાળીઓ ને પાંદડઓ, છે એના મૂળમાં તો મૂળ તો છે એક
અનેક ઇચ્છાઓ જગાડનાર સંજોગો છે અનેક, છે દોડનાર એની પાછળ, મનડું તો એક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)