કાના રે કાના, કાના રે કાના
ફર્યો હું ગોકુળની ગલીએ ગલીઓમાં, મળ્યા ના મને તો દર્શન તારા
શોધવામાં ગયો ભૂલી હું સાનભાન મારા, મળ્યા ના તારા ઠામઠેકાણા
મળીશ મને જ્યારે તું, એકલો કે રાધા સંગે, છે મૂંઝવણ મનમાં મારા
ઘૂમ્યો છું, વ્રજની વાટે વાટે, રહ્યાં નથી રસ્તા, મારાથી એના અજાણ્યા
ઊઠે છે મનમાં એવા રે ભણકારા, મળીશ તું વ્રજની વાટે, યાદ કરવા બાળપણ તારા
ગોપ ગોપીઓના દિલ તેં તો જીત્યા, ખેંચી રહ્યો છે વ્રજની વાટે દિલને મારા
મળે જ્યારે તું વ્રજની વાટે ભૂલતો ના લાવવી, બંસરી તારી રે કાના
કરવી નથી સુખદુઃખની વાતો મારે, સાંભળવી છે મધુરી બંસરી તારી રે કાના
ફિકર નથી મને, ઊછળે ભલે હૈયું રે મારું, ઊછળી પડશે ચરણમાં એ તો તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)