અસંતોષને અસંતોષમાંથી જે બહાર ના નીકળ્યા, સંતોષનું પીણું ક્યાંથી પીવાના
દુઃખદર્દના રટણ નિત્ય જેના ચાલવાના, સુખને ક્યાંથી એ તો પામવાના
ચિંતનથી ધારા તૂટી જેની જ્યાં જીવનમાં, કાર્ય અધૂરા, એમાં એના તો રહેવાના
પ્રેમ જે ના ઝીલી શકે, ના દઈ શકે જીવનમાં, એકલાઅટૂલા એ તો પડવાના
રડવામાંથીને રડવામાંથી ઉંચા નથી જે આવવાના, જીવનમાં ક્યાંથી એ હસી શકવાના
અવગુણોને અવગુણો અન્યના જોવામાં, ખુદના અવગુણો તો નથી દેખાવાના
ખોટા દંભથી આકર્ષવા નીકળ્યા જગને, ખુદ એમાં ઠગાયા વિના નથી રહેવાના
ક્ષણે ક્ષણે જેના મત બદલાયા, જગ ભરોસો એના ઉપર તો ક્યાંથી કરવાના
અસંતોષની આગમાં દિલ જેણે જલતા રાખ્યા, શાંતિ હૈયાંમાં ક્યાંથી એ પામવાના
જીવનમાં અસંતોષમાં જે ઘેરાયા, ઈર્ષ્યાના દ્વાર જીવનમાં એના એ ખોલવાના
કાબૂ વિનાના અસંતોષ તો જીવનમાં, જગમાં એને તો, ક્યાંયના ના રહેવા દેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)