બંધ હતી મારા હૈયાની બારી, સાદ ના સંભળાયા માડી
શિક્ષા એવી તું ના કરતી, બંધ કરીને `મા' તારી બારી
નાદાનિયત જિંદગીભર મેં કરી, વેડફી મેં તો જિંદગી સારી
શિક્ષા એવી તું ના કરતી `મા', બંધ કરીને તારી બારી
અહંકારે ડૂબીને ફર્યો જગમાંહી, ના રહી સૂધબૂધ મારી
શિક્ષા એવી તું ના કરતી માડી, બંધ કરીને તારી બારી
પાસા પડ્યા જગમાં સીધા માડી, જરૂર ન વરતાઈ તારી
શિક્ષા એવી તું ના કરતી માડી, બંધ કરીને તારી બારી
સમયના સપાટા પડ્યા જ્યાં ભારી, સૂધબૂધ ઠેકાણે મારી આવી
શિક્ષા એવી તું ના કરતી માડી, બંધ કરીને તારી બારી
ભૂલ સમજાઈ છે મને મોડી માડી, પસ્તાવો થાય છે ભારી
શિક્ષા એવી તું ના કરતી માડી, બંધ કરીને તારી બારી
કૃપા વરસાવજે મુજ પર ભારી, ખોલી દેજે મારા હૈયાની બારી
શિક્ષા એવી તું ના કરતી માડી, બંધ કરીને તારી બારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)