તૈયારી વિના પણ જે તૈયાર છે, પ્રભુની રહેમના એ સાચા માહિતગાર છે
અન્યના આંસુઓના, જે નિત્ય તો લૂછનાર છે, પ્રભુના દિલમાં એ વસનાર છે
સોંપે ના કામ પ્રભુને કોઈ એ તો, સમજે કષ્ટ એને, પ્રભુને એ સાચો સમજનાર છે
રચી મૂર્તિ પ્રભુની, નજર સામે રાખે એને સદા, પ્રભુને એ સાચો યાદ કરનાર છે
હરેકના મિલનમાં, અનુભવે પ્રભુનો તલસાટ જે, પ્રભુના પથ પર એ સાચો ચાલનાર છે
અન્યને દુઃખ દેવામાં, હદ ના જે પાળનાર છે, પ્રભુના તો એ મોટા ગુનેગાર છે
સંયમનો દોર હદયમાં તો જે રાખનાર છે, પ્રભુની રાહનો તો એ જાણકાર છે
ખોટી વાતો ને ખોટા કામોમાંથી લાલચમાં આવી જય છે, પ્રભુની નીકટતા ના એ પામનાર છે
હૈયાંમાં ગરીબ પૈસાદારનો ભેદ ના જે રાખનાર છે, પ્રભુના દિલમાં સ્થાન મેળવનાર છે
જગના અણુએ અણુમાં પ્રભુને જે નીરખનાર છે, પ્રભુના લાડનો અધિકારી એ બનનાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)