સંગાથે સંગાથે, જીવનમાં ચાલ્યો જાઉં છું, છૂટયા સંગાથી, બીજો સંગાથી શોધતો જાઉં છું
છૂટયો સંગાથ, ઘડીભર રોકાઈ જાઉં છું, જીવનમાં આગળ તોયે ચાલ્યો જાઉં છું
સંગાથ વિના, એકલો પડતો જાઉં છું, સંગાથ શોધી, આગળ વધતો જાઉં છું
એકલો પ્રવાસ કરતોને કરતો જાઉં છું, સંગાથ તોયે જીવનમાં શોધતો જાઉં છું
સંગાથની જીવનમાં આશા રાખતો જાઉં છું, ક્યારેક મેળવું ક્યારેક તો રહી જાઉં છું
સંગાથ છૂટે વચ્ચેથી મૂંઝાઈ ત્યાં જાઉં છું, સંગાથ વિના પણ પ્રવાસ કરતો જાઉં છું
સંગાથે ભાર હલકો કરતો જાઉં છું, સંગાથે મંઝિલ તરફ તો વધતો જાઉં છું
સંગાથે જીવનમાં તૂટતો અટકી જાઉં છું, સંગાથે સોનેરી સપના રચતો જાઉં છું
સંગાથે જગમાં જીવન જીવતો જાઉં છું, સંગાથે જીવનનો મારગ કાપતો જાઉં છું
સંગાથે સુખદુઃખ સહન કરતો જાઉં છું, સંગાથે સંગાથે જીવન જીવતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)