રાખ્યા છે ખુલ્લા રે એના રે દ્વાર, આવકારવા, સહુને તમામ
છે રે એ તો, છે રે એ તો, અવધૂતી આંગણાં (2)
છે એમાં મનની મોકળાશ, છે એના નયનોમાં નરમાશ
નથી ત્યાં કોઈ કુડકપટ કે કામ, બેઠા છે છોડીને હેઠા એના હથિયાર
છે ત્યાં અગમનિગમની તો વાત, નથી કોઈ સંસારની પંચાત
હૈયાંમાં છે ત્યાં શાંતિનો વસવાટ, નથી કોઈ બીજો રે ઉચાટ
વહે ત્યાં નિત્ય પ્રેમની સરિતા, જે આવે એમાં એ તો નહાય
બાળકના પણ એ બાળક, છતાં ધીર, ગંભીરમાં એ તો ગણાય
એને ખોળે રમે કુદરત, કરે કુદરતની માવજત એ તો સદાય
નથી ત્યાં કોઈ ઉકળાટ, પ્રસરે છે ત્યાં સદા, શાંતિનો પમરાટ
મુખ પર ચમકે, તેજ જ્ઞાનનું અગાધ, નથી જાતપાતનો કોઈ બાધ
શાંતિનો પૂંજ છે, પ્રેમનો નિકુંજ છે, આંખોમાં છે સાગરનું ઊંડાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)