ઓઢી છે ચૂંદડી લાલ, માડી તેં ઓઢી છે ચૂંદડી લાલ
મુખડું તારું શોભતું, ને ગાલ છે તારા લાલ ગુલાલ - ઓઢી ...
આંખડીમાં તેજ ઝબકતું, ને ટપકે છે તેમાં વહાલ
ટીલડી તારી ચમકતી, ને શોભતું તારું કપાળ - ઓઢી ...
કંકુ કેરો કર્યો ચાંદલો ને સુંદર દીસતું તારું ભાલ
હોઠ તારા મલકતા, ને છે એ લાલેલાલ - ઓઢી ...
હાથે ત્રિશૂળ તારું શોભતું, ને કંઠે છે ફૂલમાળ
આવી-આવીને નમન કરે, તને તારા બાળ - ઓઢી ...
કેશ તારા કાળા, ને ચાલે છે મલકાતી ચાલ
જે-જે તારા ચરણે આવે, કરતી તેને ન્યાલ - ઓઢી ..
નાના ને મોટા, સાચા ને ખોટા, સાથે આવે બાળગોપાળ
ભૂલીને ભૂલો, માફ કરે માડી, સદા વરસાવે વહાલ - ઓઢી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)