તરછોડીશ ના, તરછોડીશ ના, માડી હવે મને તરછોડીશ ના
તરછોડશે જો મુજને તું, હાથ પકડશે કોણ મારો જગમાં - તરછોડીશ ...
ભાગ્ય મારું ફૂટી જાશે, વેરી બનશે મારા પોતાના
સવળા પાસા અવળા પડશે, સાર છૂટશે આ જગના - તરછોડીશ ...
ખોટાં કાર્યો મુજથી થાશે, અટવાશે જીવન તોફાનમાં
પાયા જીવનના તૂટી જાશે, પડશે જીવન મારું ખાડામાં - તરછોડીશ ...
દિશા સાચી નવ મળશે, પડીશ હું અંધકારમાં
પ્યાલા સંતોષના દૂર રહેશે, અટવાઈશ હું તૃષ્ણામાં - તરછોડીશ ...
મનડું મારું જ્યાં-ત્યાં ભમશે, ફરશે એ અનિત્યમાં
સુખ તો દૂરનું દૂર રહેશે, સદા પડીશ હું દુઃખમાં - તરછોડીશ ...
મેલું મનડું મારું ચોખ્ખું નવ થાશે, રહીશ અશાંતિમાં
ભટકી-ભટકી થાકીશ હું તો, અંતે વહેશે આંસુ નયનોમાં - તરછોડીશ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)