છે જગમાં વિવિધતા તો ભરી, કોઈ ગાશે મરશિયા, કોઈ ગાશે કવ્વાલી
કરશે વાતો જીવનમાં કોઈ જોશીલી, તો કોઈ વાતો કરશે જીવનમાં નબળી
એક સૂરમાં ચાલે ના જીવન કોઈનું, બદલાતી રહે જીવનની તો સૂરાવલી
જીવવાની રીત સહુની જુદી, કોઈના હાથમાં ઝેરની, કોઈના હાથમાં પ્રેમની પ્યાલી
કોઈ સોગિયું મુખ લઈ ફરે, કોઈના મુખ પર તો ઝળકે, ઉમંગની લાલી
કોઈની વાણીમાં મધુરતા ઝરે, કોઈની વાણી તો હોય, ભારોભાર ડંખીલી
કોઈના જીવનની હોય છાપ સીધી સાદી, કોઈના જીવનની છાપ હોય રંગીલી
હોય જીવન કોઈનું તો રગશિયું ગાડું, હોય કોઈની જિદગી હોંશથી ભરેલી
વિતાવે કોઈ જીવન, અર્ધભાન ભરેલું, વિતાવે કોઈ જિંદગી મદહોશથી ભરેલી
વિવિધતા તો છે જગમાં તો ભરેલી, કોઈ ગાશે મરશિયા, કોઈ ગાશે કવ્વાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)