કોઈ કોઈને જગમાં પૂરું સમજી શક્તું નથી, પૂરું સમજવાના દાવા ટકી શક્તા નથી
ખુદની વૃત્તિને જ્યાં ખુદ સમજી શક્યા નથી, અન્યની સમજવાની વાત ટકી શક્તી નથી
વૃત્તિ ને વિચાર રહે બદલાતાંને બદલાતાં, જગમાં જલદી એથી સમજી શકાતું નથી
ખુદના વિચાર જગને પૂરાં કહી શક્યા નથી, જગ પૂરું એને સમજી શકવાનું નથી
ઇચ્છાઓ પણ જીવનમાં રહી બદલાતીને બદલાતી, એને અટકાવી તો શકાતી નથી
મનની ગાડીની ગતિ કદી અટકી નથી, અટકાવવાની શક્તિ જલદી મળતી નથી
કહે કોઈ જ્યારે, સમજી શક્યા અમે તને, ખટકો જાગ્યા વિના મનમાં રહેતો નથી
દાવા એના કરતાને થાતા રહ્યાં છે જગમાં, જગમાં કબૂલાત જલદી કોઈ કરતું નથી
સમજી શકે સહુ જગમાં તો અન્યને, જગમાં ગેરસમજ ત્યાં તો ઊભી થાતી નથી
જ્યાં સમજી શક્યા ખુદને આપણે, જગ પૂરું તો સમજયા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)