એક દિવસ જીવનમાં એવો તો આવશે, જગ છોડીને જ્યારે તું જાશે
લાવ્યો ના જગમાં તું કોઈને સાથે, ના તારી સાથે તો કોઈ આવશે
વ્હાલા કે વેરી, ના કોઈ તો સાથે આવશે, જગ છોડીને જ્યારે તું જાશે
કર્યું હશે જેવું તેં જગમાં, કાં પ્રેમથી યાદ તને કરશે, કાં છુટકારાનો દમ લેશે
હાક પાડતાં અનેક હાજર થાતા, તારી હાક તો ત્યાં કોણ સાંભળશે
કર્યું કારવ્યું તારું આ જગમાં રહેશે, કોણ તને તો ત્યાં પ્રેમથી નીરખશે
હશે અજાણ્યો પથ તારો, હશે અજાણી મુસાફરી, મારગમાં કોણ પાણી પાશે
આંખ વિના પડશે આંસુ તારાં, કર્યાં કરાવ્યા યાદ તને ત્યાં આવશે
પાછું વાળી જોયું ના જગમાં તેં કરતાં, જેવું વાવ્યું એવું તો તું લણશે
જ્યાં જ્યાં તો તું જશે, પ્રભુ તો ત્યાં હશે, નામ લીધેલું એનું કામ લાગશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)