મને સારી રીતે જીવતાં આવડયું નહી, હળીમળી જીવવું ફાવ્યું નહીં
પ્રેમની માંડી સફર તો જીવનમાં, હૈયાને સમજતાં તો આવડયું નહીં
કાઢી હૈયાની ગરમી તો મુખ દ્વારા, પ્રસંગોને જીવનમાં પચાવતાં આવડયું નહીં
અપમાન મારાં થયાં ના સહન દિલને, દિલ અન્યનાં અપમાન કરતાં અચકાયું નહીં
ઇચ્છાઓનો અગ્નિ પ્રગટાવતો રહ્યો દિલમાં, શાંત કરતાં એને આવડયું નહીં
રહ્યો કલ્પનાના મહેલો રચતો જીવનમાં, વાસ્તવિકતાને સ્વીકારતાં આવડયું નહીં
કર્યાં અહંના ઢગલા હૈયામાં ઊભા, સાફ એને તો કરતાં આવડયું નહીં
ઈર્ષ્યા ને ક્રોધ સાથે બાંધ્યો મજબૂત નાતો, એને તોડતાં જીવનમાં આવડયું નહીં
જરૂરિયતે વ્યાખ્યા ધર્મની રહ્યો બદલતો, સાચા ધર્મને તો સમજતાં આવડયું નહીં
રહ્યા જોતા પ્રભુ જીવનને મારા, એના થઈને જીવનમાં રહેતાં આવડયું નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)