નજરથી તો નજર મળી, દિલે દિલની વાત તો ત્યાં કહી દીધી
વિચારોથી જ્યાં વિચારો મળ્યા, જીવનને જાણે ત્યાં મહેફિલ મળી
પ્રેમમાં તો જ્યાં ન્યોછાવરી ભળી, પ્રેમને જાણે એની મંઝિલ મળી
વાતમાં પ્રેમના જ્યાં રણકા ભળ્યા, મનને સ્વર્ગની લહાણી એમાં મળી
હાસ્યમાં જ્યાં નિખાલસતા ભળી, આનંદની ઊર્મિ ત્યાં દિલને મળી
દૂરથી જ્યાં આંખ મિચોલી ખેલી, દર્દની દુનિયા ત્યાં દિલને મળી
વાત કહેવાની દિલને ખ્વાહિશ હતી, થઈ જ્યાં પૂરી મહેફિલ એને મળી
મિટાવી દીધી હસ્તી જ્યાં ખુદની, ખુદને ખુદની પહેચાન ત્યાં મળી
ભર્યાં હતાં કંઈક અરમાનો દિલમાં, જીવનને આફતની મંઝિલ મળી
પોઢયું પ્રેમમાં દિલ જ્યાં જરી, પ્રેમને દિલમાં કબ્રની શાંતિ મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)