કોને ગમે છે કોને ગમે છે, એ તો કોને ગમે છે કોને ગમે છે
જીવે જીવન જગમાં તો મડદા જેવું, તોય મરવું જગમાં તો કોને ગમે છે
ઇચ્છાઓથી રહે ભલે હૈયું દબાયેલું, છોડવી ઇચ્છાઓ તો કોને ગમે છે
સુખના ચાહક છે સહુ કોઈ જગમાં, જીવનમાં દુઃખ તો કોને ગમે છે
જો પ્રેમથી પતે જે કામ જીવનમાં, વેર જીવનમાં ત્યાં તો કોને ગમે છે
સુંવાળી શૈયા ગમે છે સહુને જગમાં, પથ્થરની સેજ તો કોને ગમે છે
થાકે ભલે મુખડું બોલતાં બોલતાં જગમાં, મૌન જગમાં તો કોને ગમે છે
મારા-તારામાંથી વેર બંધાયાં, છોડવું મારું-તારું જીવનમાં તો કોને ગમે છે
વિચારોમાં મનડું રહે ભલે ડૂબેલું, વિચારો ત્યજવા તો કોને ગમે છે
મજબૂરી જકડે ભલે જીવનને, મજબૂરી તોડવી જીવનમાં તો કોને ગમે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)