છે સમય તું કોનો રે પડછાયો, સમય તું છે કોનો રે પડછાયો
પગ વિના રહે છે તું ચાલતો, મળશે ના કોઈ તારા જેવો તરવૈયો
ચાલે છે લઈને બધું તું સાથે, કહે હવે તું તો કોનો રે પડછાયો
લઈ લઈને બધું સાથે ને સાથે, રહ્યો ને બન્યો અલિપ્તતાનો ઘડવૈયો
ના પ્રીત બાંધી, ના રોકાયો કોઈ કાજે, કહે હવે તું તો છે કોનો રે પડછાયો
યુગોના યુગો સમાવ્યા તેં, લડત લડનારા લડવૈયાઓને પણ સમાવ્યો
તૂટી તૂટી અભિમાનમાં, સમાયા સહુ સમયમાં, કહે હવે તું તો છે કોનો રે પડછાયો
આવ્યા એને સમાવ્યા, રાખ્યા ના ભેદ દિલમાં, ભણ્યો ના કોઈને તેં નનૈયો
આવ્યો વિચાર કદી તને તો સમય, તું તો છે તારો ને તારો પડછાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)