જુદા જુદા વિચારોની છે ઇમારત જુદી
છે જ્યાં મંઝિલ સહુની જુદી જુદી, પહોંચવાની છે રાહ ત્યાં તો જુદી જુદી
પહોંચવા રહ્યા છે મથતા પામર માનવી, આવ્યા છે લઈને તકદીર જુદી જુદી
રહ્યું છે અને મળ્યું છે દિલ માનવને, જલે છે ચેતના એમાં તો જુદી જુદી
જુદા જુદા માનવીમાં જલે છે સ્વાર્થની, અગન તો જ્યાં જુદી જુદી
રહ્યો છે મથી એમાં સ્થિર રાખવા દિલને, કરે છે મહેનત સહુ જુદી જુદી
સ્થિરતા વિનાની મહોબત છે કાચી, મળી છે નાવ જગમાં સહુને જુદી જુદી
મુક્ત નથી જગમાં પામર માનવી, જાગે છે તાણો હૈયામાં જ્યાં જુદી જુદી
છે અદ્ભૂત રચના પ્રભુ આવી તમારી, જુએ છે એક દીધી છે આંખો જુદી જુદી
છેતરાતો ને છેતરાતો રહ્યો છે માનવ જીવનમાં, રાહ પડે વિચારોની ભલે જુદી જુદી
પકડી રાહ જુદી જુદી, કરે છે યત્ન માનવ, એક થાવા પ્રભુ સાથે પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)