હતી રાહ મારી સાચી કે ખોટી, હતી ના પાસે કોઈ જાણવાની જાણકારી
ચાલ્યો હતો એ રાહે ને રાહે, મળી ના હતી હૈયાને એમાં તો કોઈ શાંતિ
મળ્યાં ના હતાં દર્શન એમાં પ્રભુનાં, હતી ના પ્રભુપ્રેમની પ્યાસ બુઝાણી
આગ હૈયામાં અસંતોષની રહી ભભૂકતી, કાબૂમાં ના હતી એ તે આવી
ડૂબેલું હતું હૈયું મારામાં, અટકી ના હતી હૈયામાં તો મારાને મારાની મારામારી
સત્ય-અસત્યના છાંયડામાંથી થાતી હતી પસાર રાહ મારી, હતી ઉપાધિ એ વધારી
મનડું રહ્યું હતું તો જ્યાં ત્યાં ભટકી, છોડી ના હતી આદત એણે એની પુરાણી
દુઃખદર્દનું રે પોટલું, જીવનમાં તો બનતું ને બનતું રહ્યું હતું ભારી ને ભારી
પહોંચ્યો ના હતો મંઝિલની પાસે, દૂર ને દૂર રહી ગઈ હતી મંઝિલ તો મારી
અહં મારો હતો નડતો તો સમજદારીમાં, ત્યાં જીવનમાં સાચી સમજ ના આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)