હતો હું કયાં એ કહી શકતો નથી, હું જ્યાં ખુદ ખોવાઈ ગયો હતો
હતો હું ભાનમાં બેભાનમાં, કે કોઈ વિચારોના તાનમાં, નથી કાંઈ કહી શકતો
થઈ રહ્યું હતું બધું સમયની સાથમાં, વીત્યો સમય કેટલો, નથી કાંઈ કહી શકતો
પ્રેમગંગામાં તર્યો, તર્યો જ્યાં એમાં, વીત્યો સમય કેટલો, નથી કાંઈ કહી શકતો
ભાવોનાં પૂરો ચડયાં જ્યાં હૈયે, રહ્યો ભાવ સમાધિમાં કેટલો, નથી કાંઈ કહી શકતો
ગુણે ગુણે ભાન ભૂલ્યો, ગુણાતીત ના હવે, રહ્યો એમાં કેટલો, નથી કાંઈ કહી શકતો
વિચારો ને વિચારોમાં ઊતર્યો ઊંડે, વીત્યો સમય એમાં કેટલો, નથી કાંઈ કહી શકતો
ખોવાયો હતો દૃશ્યો ને દૃશ્યોમાં, વીત્યો સમય એમાં કેટલો, નથી કાંઈ કહી શકતો
હતી પ્રેમની સરિતા, હતો બનાવવો સાગર, વીતશે સમય કેટલો, નથી કાંઈ કહી શકતો
દોષોનો ભંડાર હતો, બાંધતો હતો બંધ એના પર, વીતશે સમય કેટલો, નથી કાંઈ કહી શકતો
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)