પળ પળના પલકારામાં, સમય તો પથ એનો કાપતો રહ્યો
ના કોઈ એને રોકી શક્યો, ના કોઈ કાજે જગમાં એ તો રોકાયો
કરી આંખ બંધ રહ્યો એ દોડતો, નથી નજર કોઈ ઉપર નાખતો
રહ્યો અનેક સાથિયા પૂરતો, નથી નજર એના ઉપર એ નાખતો
બનતા બનાવોનો રહ્યો એ સાક્ષી, નથી સાક્ષી આપતા એ રોકતો
કરી ગણતરી સહુએ એમાં, નથી ગણતરી કોઈની તો એ રાખતો
સુખદુઃખનાં કંઈક નાટકો ભજવાયાં, નથી ખલેલ એને પહોંચાડતો
નથી કોઈના હાથમાં એ આવ્યો, નથી કોઈના હાથમાં આવતો
લખાયા કંઈક ઇતિહાસો એમાં, જોવા કે વાંચવા નથી એ રોકાયો
રહી સર્વથી પર જગમાં, રહ્યો તો છે પથ એનો એ કાપતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)