રહું છું જોતો ને જોતો પ્રભુ આંખમાં તારી, મને મારી ઓળખ એમાં મળી જાય
રહ્યો છું પીતો પ્રેમનાં વહેતાં ઝરણાં તારાં, પ્રેમસ્વરૂપ એમાં તો બની જવાય
કરું છું કોશિશો ઊતરવા અંતરમાં તારા, તારા સારરૂપ મોતી મને મળી જાય
કરું છું કોશિશો ઊતરવા વિચારોમાં તારા, તારા વિચારોનું સાંનિધ્ય તો મળી જાય
ડૂબવું છે ભાવો ને ભાવમાં હૈયામાં તારા, ભાન બધું મારું એમાં ભૂલી જવાય
ડૂબવું છે વિચારો ને વિચારોમાં તો તારા, તારી સમીપતા એમાં તો મળી જાય
રહ્યો છું જોતો મુખ પર શીતળ શાંતિ તારા, જીવનમાં મારા શાંતિ પથરાઈ જાય
રહ્યો છું જોતો, અનુપમ તેજ તારાં નયનોમાં, હૈયામાં મારા એ તેજ પથરાઈ જાય
રહ્યો છું જોતો, મલકતું મુખડું તો તારું, એ હાસ્ય મારા હૈયામાં તો વસી જાય
રહ્યો છું જોતો, થાય જો તું મારા પર રાજી, અનુપમ આશીર્વાદ મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)