દી ઊગે ને આથમે, સમય સહુને એમાં તો સમાવતો જાય
કોઈ હૈયું એમાં આનંદે છલકાય, કોઈ હૈયું તો એમાં આંસુડે ન્હાય
કદી હૈયું કુદરતનું વરસાદે ભીંજાય, કોઈ ધરતી તો સૂકી રહી જાય
રોજ રંગ બદલે ધરતી, ઉષાની લાલીએ વધાવે, સંધ્યાની લાલીએ શરમાય
અનોખી રીત છે કુદરતની, કદી નવરાવે પરસેવે, કદી ઘડીમાં થીજવી જાય
ધરે વાદળઘેરું શ્યામળ રૂપ, ઘનશ્યામની યાદ એ આપી જાય
વહાવી ઝરણાનું મૃદુ સંગીત, ચિત્ત સહુનું હરતું એ તો જાય
પંખીના કલરવથી ઉતારી આરતી, પ્રભુના આનંદે એ તો ન્હાય
બાંધી દીવાલો માનવે ના બાંધી કુદરતે, ચૂક્યા ના મર્યાદા જરાય
ઊજવી ના વર્ષગાંઠ કુદરતે, ઊજવી વર્ષગાંઠ માનવી જગ છોડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)