ઉછાળે ભાગ્ય જો આકાશે, માડી તમે મને ઝીલી લેજો
પછાડે ભાગ્ય જો ધરતી પર, ખોળો તમારો પાથરી દેજો
રમત રમે ભાગ્ય જો મારી સાથે, મને એમાં બચાવી લેજો
મારી રહ્યું છે ઘા ભાગ્ય આકરા, ઢાલ મારી એમાં બની જાજો
હોય ના તૈયાર ભાગ્ય જે દેવા, એ બધું મને દઈ દેજો
અળવીતરો છું પણ છું તમારો, કરું ભૂલ કાન પકડી લેજો
હિસાબ માંડવા ક્યાંથી જન્મોના, હિસાબ બધા પતાવી દેજો
બનું કે ના બનું અન્યનો જીવનમાં, તમારો મને બનવા દેજો
કર્મોએ ઘડયું ભાગ્ય ભલે મારું, તમારા પ્રેમને ભાગ્ય ઘડવા દેજો
નાખી દૃષ્ટિ તમારી ભાગ્ય પર મારા, તમે એને પલટાવી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)