રેતીના રણમાં રે, માડી મારો હીરો ખોવાણો
શોધ્યો ઘણો એને રે, માડી ક્યાંય ના એ દેખાયો
કણેકણમાં જ્યારે, સૂર્યપ્રકાશ ફેલાયો
એનાં એ કિરણોમાં, માડી કણેકણમાં હીરો મને દેખાયો
તરસ્યો મારો જીવ, મૃગજળ પાછળ ખૂબ ઠગાણો - માડી ...
વરસ્યો વરસાદ ખૂબ, તોય રેતીનો પટ ના ભીંજાયો રે - માડી ...
વંટોળો ને વાયરો, વાય ત્યાં તો હરઘડી
પાણી તો ક્યાંય જડે નહીં, રેતીના વરસાદે ભીંજાયો - માડી ...
ચારેકોર છે રેતી, દિશા કોઈ સૂઝે નહીં
શોધ તો મારે કરવી રહીં, મનમાં હું બહુ મૂંઝાણો - માડી ...
શોધતાં જ્યાં થાક્યો હું, નિરાશામાં બહુ અટવાયો
શોધ કરવી છોડી મેં તો, ત્યાં મુજમાં એ ઝળહળતો દેખાયો - માડી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)