માડી, માયાની રચના છે તારી, પ્રિય એને મેં ગણી
કરી દોડાદોડી એની પાછળ, તું કેમ એ જોતી રહી
દોડ્યો માયાની પાછળ, આગળ-આગળ એ જાતી રહી
હાલત બૂરી થઈ ગઈ મારી, તું કેમ એ જોતી રહી
હટાવી દે પડદા માયાના આંખથી, દઈને દૃષ્ટિ સાચી
તલસાટ હવે વધતો રહ્યો, તું કેમ એ જોતી રહી
યુગોથી મુક્તિની ઝંખના, હૈયામાં એવી ને એવી રહી
અટવાઈ ગયો માયામાં બહુ, તું કેમ એ જોતી રહી
હૈયાના હાસ્યને તારી માયા, રુદનમાં પલટાવી ગઈ
નયનોમાં વહે અશ્રુધારા, તું કેમ એ જોતી રહી
વિનંતી છે આ હૈયાની, માડી બહુ અશ્રુભરી
માયા સંકેલી દે તું, મૌન ના બેસ તું જોતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)