કોઈ કોઈને કહેતું નથી, કોઈને પૂછતું નથી, ખુદના અંતરને કોઈ પૂછતું નથી
ચીલે ચાલે છે સહુ જગમાં, પહોંચાડશે રસ્તો ક્યાં, એ કોઈ જાણતું નથી
શીખ્યા જ્યાં અન્યની નાકની દાંડીએ જોવું, ખુદની નાકની દાંડીએ જોતું નથી
તકલીફોમાં જ્યાં આભ તૂટી પડે, ખુદ જેવું દુઃખી કોઈ કોઈને ગણતું નથી
જીવનમાં નકામાં હોબાળા મચાવે, સાચી વાત તો કોઈ સમજતું નથી
આંખથી તો જ્યાં આંખ લડે, મળવાનું કોઈ તોયે તો ચૂકતું નથી
કહે સહુ તો ઝઘડા ગમતા નથી, જીવનમાં ઝઘડાનો અંત લાવતા નથી
ઉમેરે મીઠું મરચું તો હરેક વાતમાં, જાણે એના વિના સ્વાદિષ્ટ વાત બનતી નથી
પ્રેમની તંગી નથી કાંઈ જગમાં, હૈયાંમાં પ્રેમની તંગી પડવા વિના રહી નથી
હરેક વાત કોઈ કોઈને કરતું નથી, હરેક વાત જાણવા ઉત્સુકતા છોડતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)