શી નિસ્બત છે તને હવે તારા અંતર સાથે, અંતરનું જ્યાં તેં માન્યું નથી
શું જરૂર છે પ્રભુ દ્વારે તારે જવાની, જ્યાં પ્રભુ રસ્તે તારે જાવું નથી
શું જરૂર છે જીવનમાં વચનો દેવાની, જ્યાં વચનો તારા તેં પાળ્યા નથી
શું જરૂર છે જીવનમાં એવા દેખાવો કરવાની, દેખાવોમાં જ્યાં તું માનતો નથી
શું જરૂર છે જીવનમાં આજ્ઞા માગવાની, આજ્ઞા જીવનમાં જ્યાં પાળી નથી
શું જરૂર છે જીવનમાં વાતો જાણવાની, જાણીને ફરક જ્યાં પડવાનો નથી
શું જરૂર છે જ્યાં ત્યાં દુઃખો રડવાની, રડવાથી દુઃખ દૂર થવાનું નથી
શું જરૂર છે માનવ પાસે માગવાની, તારું માંગ્યું આપવાની જેની શક્તિ નથી
શી જરૂર છે કડવા શબ્દો બોલવાની, મીઠા શબ્દોની અસર તો તેં જાણી નથી
શી જરૂર છે ધામે ધામે તારે ફરવાની, છે પ્રભુ હૈયાંમાં, વાત નથી એ ભૂલવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)