મારું જીવન ચકડોળ જેમ ચાલે, ચકડોળ જેમ ચાલે
કદી સુખમાં આનંદે મ્હાલે, કદી દુઃખમાં પડી દુઃખી થાયે
કદી આશામાં બહુ ડૂબી, નિરાશામાં એ સરકી જાયે
ક્રોધનો આવેશ ચડે ન ચડે, એ પ્રેમપૂરમાં બહુ તણાયે
ત્યાગની વાતોમાં ખૂબ રાચે, માયાના ચકરાવે ચડી જાયે
હસવા સદા યત્ન કરતા, કદી એ ખૂબ-ખૂબ રડી જાયે
શરણાગતિની વાતો કરી, એ આળસમાં ડૂબી જાયે
પ્રેમની વાતો ખૂબ કરી, એ કામમાં સરકી જાયે
કર્મ, અકર્મની કડાકૂટમાં પડી, એ તો બહુ મૂંઝાઈ જાયે
જ્ઞાનની વાતો ખૂબ વાંચી, જ્ઞાનનો અંચળો પહેરી રાખે
પ્રભુની વાતો એ તો ખૂબ કરી, પ્રભુમય એ બની જાયે
પ્રભુની ઝાંખી મળતાં, એ તો શ્રદ્ધાથી ખૂબ ડોલી જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)