ધબકતું હૈયું ને વ્હાલ નીતરતી આંખ, છે માડી, તારી એ તો પ્રેમભરી પાંખ
બાળ કાજે સદા તલસતું હૈયું તો તારું, છે એ તો તારા પ્રેમની શાન
રહ્યો હોય મેલ હૈયાંમાં મારી, નાખી કૃપાભરી નજર હવે એને કાઢી નાંખ
જોવરાવી જોવરાવી રાહ, બનાવી દેતી રાહને માડી, તારી પ્રતિષ્ઠાનું નાક
રહેવા ના દે માડી, હૈયાંમાં અંતર મારી, હોય જો અંતર એને તું કાપી નાખ
હસતે મુખે જીવીએ જીવન અમારું, જીવન અમને તો માડી એવું તો આપ
વરસાવી રહી છે સતત તું કૃપા, તારી કૃપાનો તો માડી વટાવી જાજે આંક
છે પ્રેમના સહુ કાજે દ્વાર તારા ખુલ્લા, માડી અમારા કાજે તું ખુલ્લા રાખ
દેજે શક્તિ અમને તું એવી, લઈ શકીયે નામ તારું, જપી શકીયે તારા જાપ
માપી શકીએ ક્યાંથી માડી અમે તો તને, છે જ્યાં શક્તિ તારી તો અમાપ
રહ્યા છીએ કરતા ગુનાઓ, છે તું તો ઉદાર, માડી કરજે ગુનાઓ અમારા માફ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)