ના ચાંદ છું, ના સૂરજ છું, જીવનમાં ચમકવા ચાહતો એક ઇન્સાન છું
ના વખ્ત કોઈ દુશ્મન છે મારો, તખ્તથી બેતાબ બનેલો એક ઇન્સાન છું
ના દર્દથી કાંઈ પરેશાન છું, દર્દે દીવાનો બનેલો એક ઇન્સાન છું
ના કોઈ સાથી છે જીવનમાં મારો, એક બીજાને સાથ દેનાર એક ઇન્સાન છું
ના કોઈ નિરાશામાં ડૂબેલો છું, નિરાશાઓ સામે લડનારો એક ઇન્સાન છું
ના કાંઈ મફતમાં માગુ છું, ચૂકવી કિંમત પામનારો એક ઇન્સાન છું
ના કાંઈ જીવનમાં મુક્ત છું, બંધનોથી મુક્તિ ચાહનારો એક ઇન્સાન છું
ના કાંઈ પહોંચ્યો છું ટોચ ઉપર, ના હાર માનનારો હું એક ઇન્સાન છું
ના મોત માગનાર બૂઝદિલ છું, મોતનો સામનો કરનાર એક ઇન્સાન છું
ના રૂદન છું, ના હાસ્ય છું, વાસ્તવિક્તામાં જીવનાર એક ઇન્સાન છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)