પ્રગટાવે કર્મો જીવનમાં જ્યાં હોળી, જીવન ભડભડ તો એમાં બળતું જાય
પાપપુણ્યની ગઠડી લાવ્યા જગમાં, એની રાખ એમાંને એમાં થાય
કદી દુઃખદર્દ તો પડાવે ચીસો, કદી પુણ્યની ફોરમ ફેલાતી જાય
કર્મો પ્રગટાવે જ્યાં હોળી જીવનમાં, ભાવોના ભડકા એમાં તો બળતા જાય
ક્રોધની જ્વાળા પ્રગટી જ્યાં હૈયાંમાં, ખુદને ને અન્યને બાળતી જાય
ઇર્ષ્યાની જ્વાળા પ્રગટી જ્યાં નયનોમાં, સુખને જીવનમાં એ બાળતી જાય
પ્રગટી અસંતોષની જ્વાળા જ્યાં હૈયાંમાં, જીવનને તો એ બાળતું જાય
વેરની આગ, પ્રગટી જ્યાં મનમાં ને હૈયાંમાં, જીવન એમાં બાળતું જાય
શંકાની આગ, પ્રગટી જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિ એમાં બાળતી જાય
અધીરાઈની આગ પ્રગટી જ્યાં હૈયાંમાં, જીવનની શાંતિને બાળતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)