ખુદને ખુદથી બેવફાઈ કરવી નથી, લઈને આવ્યા મંઝિલ, મંઝિલ ભૂલવી નથી
પડશે ચાલવું લપસણી ધરા પર, સંભાળીને ડગલાં ભર્યા વિના રહેવું નથી
છું ખુદના ઇતિહાસથી અજાણ, ખુદનો ઇતિહાસ ખુદ લખ્યા વિના રહેવું નથી
મળી છે પંચેન્દ્રિયો સાધના કરવા, ધ્યેય સાધ્યા વિના એમાં તો રહેવું નથી
મન ને ભાવો છે અદીઠ સાધન પાસે, સાથ એનો તો સાધ્યા વિના રહેવું નથી
રાખી વિચારોને ને ભાવોને વિશુદ્ધ, વિચલિત તો એને થાવા દેવા નથી
ભૂલ્યો નથી ક્ષણભર ખુદને, ખુદમાં ખુદાઈ તો હજી પ્રગટી નથી
દુઃખદર્દને બાંધીશ મનડા ને તનડાના સીમાડામાં, ખુદાના સીમાડામાં પ્રવેશ દેવો નથી
તનડાના ને મનડાના દુઃખને ભૂલ્યા વિના, યાદ ખુદાની દિલમાં પ્રગટતી નથી
કરીશ બેવફાઈ જો ખુદથી, ખુદમાં રહેલો ખુદા રાજી તો રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)