કોણ કોને બંધનમાં બાંધશે, કોણ કોનાં બંધન તોડાવશે
બંધાયા છે સહુ આશાનાં બંધનોમાં, સાચી સમજ બંધન તોડાવશે
મોહના બંધનથી બંધાયા છે સહુ, સાચો વેરાગ્ય એ છોડાવશે
ઇચ્છાઓનાં બંધન બાંધે જગમાં સહુને, સંતોષ એ બંધનો તોડાવશે
ક્રોધના બંધનમાં ઝડપાયા છે સહુ, સંયમ બંધન એ તોડાવશે
કર્મોનાં બંધનમાં બંધાયા છે સહુ, કર્મો જ કર્મોનાં બંધન તોડાવશે
ઈર્ષ્યાના બંધનમાં બંધાયા છે સહુ, સાચી સમજ બંધન એના તોડાવશે
લોભના બંધનથી બંધાયા છે સહુ, તૃપ્તિ બંધન એના તોડાવશે
સુખદુઃખનાં બંધન બાંધે સહુને, અલિપ્તતા બંધન એના તોડાવશે
પ્રેમના બંધનથી બંધાયા છે સહુ, પ્રભુપ્રેમ બંધન મજબૂત એ બનાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)