મારા ચિત્તડાનો શરૂ થઈ ગયો વેપાર, શરૂ થઈ ગયો ધમધોકાર
બેઠા બેઠા કરે જગ આખાનો વેપાર, લગાડે ના એમાં એ વાર
કદી મળ્યો નફો, કદી ખાધી ખોટ, અટક્યો ના અટક્યો કદી વેપાર
નફા-તોટાનાં કાઢયાં, સરવૈયાં, રહ્યા નથી કદી એમાં બેરોજગાર
કરે કદી સુખના સોદા, કરે કદી દુઃખના હોય એમાં વિવિધતા અપાર
કરે ના સ્થાયી નફો, ના સ્થાયી ખોટ, રહ્યો છે ચાલતો વેપાર લગાતાર
કદી જગ આંખું ફરે, કદી ઊંડી ગુફામાં ઊતરે, હોય સદા નફા-તોટાના વિચાર
ગમે ના પાળવું, પાળે ના કદી, એના નીતિ નિયમ કે એના આચાર
બેસે ના કદી એ ચૂપ, રહે ચાલતો નિત્ય, કરતો રહે એ વેપાર
કદી ગુમાવે, કદી મેળવે, કરે ના કદી એની રીતમાં એ ફેરફાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)