આજ પૂનમની રાત હતી, ચાંદની તોય ઉદાસ હતી
ધરતીને ભેટવા, હૈયે અભિલાષા એવી જાગી હતી
કાળા વાદળીઓએ લીધી ધેરી, ચાંદની એમાં ઉદાસ હતી
પળમાં હટે પળમાં ધેરે, રમત એવી એણે માંડી હતી
સ્પર્શવા પ્રેમી હૈયાને, ભાવના દિલમાં એવી ભરી હતી
તપતી ધરાને કરવા શીતળ, શીતળતા ધરવી હતી
હતું જોવું ખુદનું મુખ સાગરમાં, ઇચ્છા અધૂરી રહી હતી
રમ્યા હતા રાસે ગિરધારી, યાદ આજે મને એની આવી હતી
આવી હતી ભેટવા વાદળી, ના પ્રેમથી એને ભેટી શકી હતી
નીરખવી હતી રમત કુદરતની, આજ મજબૂર બની હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)