માગણી તારી પાસે નથી કોઈ ઝાઝી મારી રે પ્રભુ, છે માગણી તો એક બુંદ પ્રેમની
નથી માંગતો બીજું કાંઈ તારી પાસે રે પ્રભુ, માગણી છે રે મારી તો થોડી સમજદારીની
જીવનમાં મારી, ખૂટતી ધીરજની ધારામાં રે પ્રભુ, છે માગણી મારી તો થોડી ધીરજની
સહી નથી શક્તો જીવનમાં, સુખદુઃખના મારને, છે માગણી મારી થોડી સહનશીલતાની
છે તું પાસેને પાસે, છે તું સાથેને સાથે, છે માગણી મારી રે પ્રભુ, એના થોડા વિશ્વાસની
છે એક તો તું જગતમાં મારો, નથી કોઈ મારું, છે માગણી મારી રે પ્રભુ, એવી થોડી સમજની
છે તું તો સર્વમાં રે પ્રભુ, છે માગણી મારી તારી પાસે રે પ્રભુ, એવી તો દૃષ્ટિની
તોડવી છે મમત્વ ગાંઠ મારે મારા જીવનમાં, છે માગણી મારી રે પ્રભુ, એમાં થોડી સહાયની
સફળતાથી રહે ચાલતી મારી જીવનની ગાડી, છે માગણી મારી રે પ્રભુ, એવી થોડી તારી કૃપાની
હૈયું રહે સદા મારું પ્રસન્ન અને પવિત્ર, છે જરૂર પ્રભુ તારા એક બુંદ તો આનંદની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)