માંગવું છે, માંગવું છે ઘણુંઘણું, આજ આટલું માંગું છું
મળે જીવનમાં દીદાર તારા, તારી પાસે આટલું માંગું છું
જીવન છે મનની મુસાફરી, સ્થિર મુસાફરી તો માંગું છું
અન્યના દુઃખે થાઉં દુઃખી, સંવેદનાભર્યું એવું દિલ માંગું છું
દિલમાં સંતોષ ભર્યોભર્યો રહે, એવો સંતોષ માંગું છું
નજર સદા નિર્મળ રહે, એવી સદા નિર્મળતા માંગું છું
ભૂંસાય ના કદી યાદ તારી દિલમાંથી, એવી યાદ માંગું છું
આફતોમાં હારું ના હિંમત કદી, એવી હિંમત તો માંગું છું
કરી શકું મદદ જગમાં સહુને, એવી શક્તિ તો માંગું છું
દિલમાં સદા તને સમાવી શકું, એવું દિલ તો માંગું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)