એક પછી એક પ્રસંગો જીવનમાં આવતા રહેશે, આવતા રહેશે
કંઈકને વાગોળવાનો સમય મળશે, કંઈકમાં વિચારવાનો સમય ના રહેશે
કંઈક જીવનમાં શીખવી જાશે, કંઈક હૈયે ઉચાટ તો ઊભો કરશે
કંઈક ધારા જીવનની બદલી જાશે, કંઈક જીવનને ડૂબાડી જાશે
કંઈક તો પ્રેમને તરબોળ કરી જાશે, કંઈક તો ઉત્પાત મચાવી જાશે
કંઈક આશ્ચર્યમાં નાખી જાશે, કંઈક તો સમાધાન કરાવી જાશે
કંઈક જીવનને તો રડાવી જાશે, કંઈક જીવનને તો હસતું રાખશે
કંઈક ધીરગંભીર બનાવી જાશે, કંઈક હળવાફૂલ બનાવી જાશે
કંઈક અહંને ખૂબ વધારી જાશે, કંઈક અહંના ચૂરેચૂરા કરી જાશે
પ્રસંગો ને પ્રસંગો દિલ પર ને જીવન પર અસર તો પાડતા જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)