હસતાં-ખેલતાં દિલ છે જીતવાં, રડીને રાજ નથી લેવું
જાણી-વિચારી કરવું છે બધું, સંજોગો સામે છે લડવું
નીકળ્યા છીએ દિલ જીતવા, દર્દની દુનિયામાં નથી ડૂબવું
કરવાં છે કર્મો સમજી-વિચારીને, ફરિયાદનું ભૂત નથી ઊભું કરવું
મંઝિલ છે અંતિમ મુકામ, અધવચ્ચે નથી અટકવું
લૂખી-સૂકી રોટલી ભલી, આધીનતાનું ઘી નથી ચોપડવું
પ્રેમ છે પકવાન જીવનનું, બીજાં પકવાનોમાં ચિત્ત નથી જોડવું
સાહસ છે શ્વાસ જીવનનો, જીવનમાં નથી એને ગુમાવવું
સુખદુઃખ છે હકીકત જીવનની, નથી એનાથી કાંઈ ભાગવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)