આવ્યા મલકતા ને મલકતા, કબ્જો હૈયા પર કરી ગયા
શું થયું જોતા રહી ગયા અમે, એના એમાં બની ગયા
જવાબો એના વિનાના લાગ્યા અધૂરા, સ્વપ્નના કબ્જા લઈ ગયા
પ્રેમના અનોખા અસ્તિત્ત્વની, લહાણ એ કરી ગયા
નયનોમાં એવાં રમી રહ્યાં દૃશ્યો, એના વિનાનાં લાગ્યાં સૂનાં
ઓઝલ થઈ નયનોથી દિલને, વિરહમાં તો તડપાવી ગયા
વિચારોમાં એવા છવાઈ ગયા, એના વિનાના વિચારો ના રહ્યા
ઇન્કાર કે પ્રતિકાર વિના, સ્થાન હૈયામાં જમાવી ગયા
અનોખી પ્રેમની દુનિયાની સફર, અમને એ કરાવી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)