બિન ટેકાથી આકાશ ટેકવ્યું, સમુદ્રમાં જળ ભર્યું અપાર
માડી, તારી શક્તિનો નહીં પાર
અસંખ્ય તારા નભમાં ફરતા રાખ્યા, કોઈ કોઈથી ના ટકરાય
માડી, તારી શક્તિનો નહીં પાર
ઊંચા પર્વત ઊભા રાખ્યા, ન દેખાયે કોઈ આધાર
માડી, તારી શક્તિનો નહીં પાર
વાયુ સદા જગને વીંઝણા નાખે, ભરી શક્તિ એમાં અપાર
માડી, તારી શક્તિનો નહીં પાર
સૂર્યને સદા જલતો રાખ્યો, પ્રકાશ દે દિન ને રાત
માડી, તારી શક્તિનો નહીં પાર
ધરતીને વર્ષાથી પ્રેમથી ભીંજવે, ઝારી ન દેખાયે ક્યાંય
માડી, તારી શક્તિનો નહીં પાર
રાઈ જેવા બીજમાંથી પ્રગટાવ્યું વટવૃક્ષ વિશાળ
માડી, તારી શક્તિનો નહીં પાર
આંખથી ન દેખાતા, સૂક્ષ્મ જીવમાં પણ તારી શક્તિનો સંચાર
માડી, તારી શક્તિનો નહીં પાર
શ્રીફળમાં તે જળ ભર્યું, બહાર ન કદી વહી જાય
માડી, તારી શક્તિનો નહીં પાર
એક બૂંદમાંથી માનવ સર્જ્યો, અંગો તણો નહીં પાર
માડી, તારી શક્તિનો નહીં પાર
તારો માનવ તારી સામે બાંહ્ય ચઢાવે, તોય માફ કરે સદાય
માડી, તારી શક્તિનો નહીં પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)