મૌન થઈને બેઠી છે માડી, મૌન તારું હવે તું તોડજે
હઠ તારી આ સારી નથી, નહીંતર મારી હઠ પણ જોજે
માયા તારી નિત્ય ફેલાવી, દૂરની દૂર મુજને ના રાખજે
સંકેલી લેજે એને તું માડી, સંબંધમાં વિક્ષેપ ના નાખજે
અશક્ત છું હું તો માડી, શક્તિ તું મુજ પર કાં વાપરે
પ્રેમનું હથિયાર મૂકીને તારું, માયામાં કાં તું મને બાંધે
વિયોગ મુજથી નથી સહેવાતો, વિયોગ તુજને શું કોઠે પડ્યો
મિલન કાજે માડી તારાં દ્વાર ખુલ્લાં કરી નાખજે
ભૂલો કરી હશે ઘણી માડી, અજ્ઞાની મુજને ગણી નાખજે
દઈને દર્શન તારાં માડી, આશ મારી પૂરી કરી નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)